જીવનમાં તક પણ ..

એક વખત ચોમાસાની મોસમમાં અતિવરસાદને કારણે પુર આવ્યુ. પુરના પાણી એક ગામમાં ઘુસ્યા અને ગામલોકો પોતાનો જીવ બચાવવા માટે ગામ છોડીને સલામત સ્થળે જવા રવાના થયા. ગામની ભાગોળે શિવજીનું મંદિર આવેલું હતું. એક યુવક દોડતો મંદિરે ગયો અને મંદિરના પુજારીને કહ્યુ , " પુજારીજી પુરના પાણી ગામમાં ઘુસી ગયા છે અને હવે આ મંદિરમાં પણ પાણી ભરાવાના શરુ થયા છે. ગામના બધા જ લોકો સલામત સ્થળે જતા રહ્યા છે. આપ એક જ બાકી છો અને હું આપને લેવા માટે આવ્યો છું આપ મારી સાથે ચાલો."

પુજારીજી એ કહ્યુ , " હું તમારા બધા જેવો નાસ્તિક નથી મને મારા પ્રભુમાં પુરી શ્રધ્ધા છે અને એ મને બચાવવા માટે જરુર આવશે. મને મારા ભગવાન પર ભરોસો છે તમારી મદદની કોઇ જરુર નથી. "

યુવાન તો જતો રહ્યો. થોડા સમયમાં પાણી મંદિરમાં આવી ગયુ અને કેડ સુધી પહોંચી ગયુ. પુજારીજી મંદિરના ઓટલા પર ચઢી ગયા. થોડીવાર પછી ત્યાં એક સૈનિક હોડી લઇને આવ્યો અને પુજારીજીને હોડીમાં આવી જવા માટે વિનંતી કરી. પુજારીજીએ હોડીમાં બેસવાની પણ ના પાડી અને યુવાનને આપ્યો હતો એવો જ જવાબ સૈનિકને પણ આપ્યો.

સૈનિકના ગયા પછી પાણી વધ્યુ અને છત સુધી આવી ગયુ. પુજારીજી મંદિરના શિખર પર ચઢી ગયા. ઉપરથી એક હેલીકોપ્ટર પસાર થયુ. હેલીકોપ્ટરમાંથી એક દોરડાની સીડી નીચે ફેંકવામાં આવી જેથી પુજારીજી દોરડુ પકડીને ઉપર આવી શકે. પણ પુજારીજીએ દોરડુ ન પકડ્યુ. પાણી સતત વધતુ રહ્યુ. પુજારી ડુબી ગયા અને મૃત્યુ પામ્યા.

ઉપર જતાની સાથે જ રાડારાડી શરુ કરી. એમને ભગવાનની સામે લાવવામાં આવ્યા એટલે ભગવાનને ફરીયાદ કરી. " મેં તમારી આટલી સેવા-પૂજા કરી અને આટલો વિશ્વાસ રાખ્યો તો પણ તમે મને બચાવવ કેમ ન આવ્યા ? " ભગવાને હસતા હસતા કહ્યુ , " અરે પાગલ , હું એક વાર નહી ત્રણ વાર તને બચાવવા માટે આવ્યો હતો. પ્રથમ વખત ગામનો યુવાન બનીન, બીજીવાર સૈનિક બનીને અને ત્રીજીવાર હેલીકોપ્ટર લઇને. પણ તું મને ઓળખી જ ન શક્યો તો એમા મારો શું વાંક ? "

મિત્રો , જીવનમાં તક પણ કોઇ જાતની ઓળખાણ વગર સાવ અજાણી બનીને આવે છે આપણે એને ઓળખી શકતા નથી અને પછી મને આગળ વધવા માટેની કોઇ તક મળતી જ નથી એવી ફરીયાદો કર્યા કરીએ છીએ.