શુકન-અપશુકન..........
1-સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય.....
જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ તો રાખવી જ પડે.
2-શનિવારે માથામાં તેલ ન નખાય.....
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા. માટે લોકો સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો ‘ધરમ ’નો ડર બતાવી કોઈને કાબુમાં લેવાનું સરળ હતું. આથી કહી દેવાતું કે શનિવાર હનુમાનજીનો વાર હોવાથી માત્ર હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાંતેલ નાંખવાનું નહિ.
એ જ રીતે નખ કાપવા માટે, બુટ ખરીદવા માટે, દાઢી સાફ કરવા માટે, વાળ કપાવવા માટે રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. રવિવારની રજાના દિવસે મોટા ભાગના લોકો વાળ કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું રાખતા હોવાથી એ દિવસે વાળંદ રજા તો ન જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ કરવો પડે. આથી આગલા દિવસે શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકે એ માટે વાળંદ માટે શનિવારે રજા નક્કી થઈ હશે.
3-એના પગલા ખરાબ છે.....
દિકરાને પરણાવીને વહુને ઘરે લાવ્યા બાદ ઘરમાં કોઈ અમંગળ ઘટના બને તો વહુના પગલાને ખરાબ ગણીને એને દોષ આપવામાં આવે છે. નવા પરણેલા દિકરાની નોકરી છુટી જાય, કોઈ ઘરમાં માંદુ પડે, કોઈનું અવસાન થાય વગેરે પૈકી કોઈ ઘટના બને તો એમાં વહુનો શું દોષ? પરંતુ આવા મનઘડંત કારણ-પરિણામના સંબંધો જોડી દેવાની માનસિક નબળાઈ મોટા ભાગના પરિવારોમાં જોવા મળે છે. એ જ રીતે દિકરીનો જન્મ થયા બાદ ઘર પર કોઈ આપત્તિ આવે તો એના પગલાને ખરાબ ગણવામાં આવે છે. રામના સીતા સાથે લગ્ન થયા બાદ રામની રાજગાદી છીનવાઈ ગઈ, તેઓને ચૌદ વર્ષનો વનવાસ થયો એટલું જ નહિ, બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, રામ પુન: રાજ્યસિંહાસન આરૂઢ થયા હતા , સીતા સાથે પ્રણયમગ્ન હતા તેવામાં સીતાનો પ્રસુતિકાળ નજીક આવ્યો, રામના બે પુત્રો લવ-કુશના જન્મનો સમય થયો ત્યાં તો સીતાનો સર્વદા ત્યાગ કરવાનો કપરો નિર્ણય રામને કરવાનો થયો. ચૌદ વર્ષનો ઘોર કષ્ટદાયક સમય પુરો થયા બાદ પણ રામ સુખપૂર્વક દામ્પત્યજીવન માણી શક્યા નહિ તો શું રામ સીતાને, લવ-કુશના આગમનને દુર્ભાગ્યપૂર્ણ ગણશે ?
4-કોઈ બહાર જતું હોય તો ‘ક્યાં જાઓ છો’ એમ નહિ પૂછવાનું.....
ઘણાં પરિવારોમાં તો આ રિવાજ એટલો બધો જડ બેસલાક હોય છે કે ભુલમાં કોઈ બાળક , ‘ક્યાં જાઓ છો?’ એવું પૂછી લે તો બહાર જનાર તથા ઘરના સભ્યો ખુબ નારાજ થઈ જાય છે. આની પાછળની સમજણ એવી છે કે કોઈના અંગત મામલામાં વધુ પડતી જિજ્ઞાસા રાખવી અસભ્ય ગણાય. બાકી શુકન –અપશુકન જેવું કંઈ હોતું નથી.
5-ઉલ્ટા પડેલા ચંપલ.....
કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે બુટ ઉંધુ પડેલું જોવા મળે તો એને અપશુકન ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો બિનજવાબદાર ગણાય કારણ કે જુએ છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી. આ ઘટનાને અપશુકન સાથે શું લેવાદેવા ? એ જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય કે પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ રીતે કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ છે જે વ્યક્તિને પ્રેમથી સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે આર્થિક નુક્શાનના ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે લાગલું જ ‘ લક્ષ્મી ચાલી જશે’ એમ કહેવાય છે.
6-બિલાડી આડી ઉતરે છે.....
આવા અપશુકનમાં વિશ્વાસ રાખનારા વાહિયાત છે. બીજું શું ?માણસ બિલાડીને આડો ઉતરે ને એનો દિવસ ખરાબ જાય તો એ કોને ફરિયાદ કરશે ? ઘણા કહે છે: ‘આજે સવારે મેં કોનો ચહેરો જોયો હતો ? મારો આખો દિવસ ખરાબ ગયો.’અરીસામાં જ જોયું હોય ને ભાઈ તેં ! ચાલતા હાથે-પગે વાગે તો કહેશે ‘ કોઈ મને ગાળ દઈ રહ્યું છે.’ હેડકી આવે અથવા ખાતા-ખાતા અંતરસ આવે તો કહે, ‘મને કોઈ બહુ યાદ કરે છે.’ ભ’ઈ તારા લેણિયાતો સિવાય તને કોઈ યાદ કરે એમ નથી !
7-એક છીંક આવે તો ‘ ના’ અને બે છીંક આવે તો ‘હા’.....
કોઈ કામ કરવાનું શરૂ કરો, ક્યાંય બહાર જવા નિકળો ને એક છીંક આવે તો રોકાઈ જવાનું અને થોડી વાર રહીને કામ કરવાનું. બે છીંક આવે તો તમારા કાર્યને કુદરતનું સમર્થન છે એમ માનીને એ કામ દૃઢતાથી કરવાનું. મારો એક મિત્ર તો પોતાનું વાહન ડાબી બાજુ વાળતો હોય ને એક છીંક આવે તો જમણી બાજુ વાળી લે. આ છીંકને શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ ખરો ?
8-મુહૂર્ત જોવડાવવામાં આવે છે.....
કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા હતા. છતાં એમણે કહ્યું હતું કે ‘હું જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય. અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને સફળ બનાવવા માટેના !’ ગૃહપ્રવેશ, રાજ્યાભિષેક ,લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય છે. એની પાછળનું રહસ્ય પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક પણ લગ્નનું મુહૂર્ત હોતું નથી. કારણ શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે, તીર્થયાત્રીઓ ચાર માસ સુધી પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે.
વસંતપંચમી તેમજ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ ખીલેલી હોય છે.
કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે એટલો બધો નબળો થઈ જાય છે કે શુકન-અપશુકનના રવાડે ચઢી જ જાય છે.
રાજકારણીઓ, રમતવીરો, ફિલ્મસર્જકો , હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે. અમુક જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે, ફિલ્મના નામના સ્પેલિંગમાં અમુક અક્ષર બેવડાવવાથી ફિલ્મ સફળ થશે, ચોક્કો કે છક્કો વાગે એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું, નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે ? જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ. એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના ધંધામાં ક્યારેય મંદિ આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળા માણસો સમાજમાં હોવાના જ !
આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે.
“‘ ન કરતો ભાગ્યની પરવા હું ખુદ એને ઘડી લઉં છું, ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં છું.” આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે.