યાત્રા..........

યાત્રા..........

ગામડામાં રહેતા એકભાઇએ પોતાના દિકરાને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવ્યો. દિકરો આર્થીક રીતે ખુબ સુખી હતો. દિકરાએ વિચાર કર્યો કે મારા માતા-પિતાએ મારા માટે ખુબ કષ્ટો સહન કર્યા છે અને ગામડામાં જ રહ્યા છે માટે મારે એમને અમેરીકા અને યુરોપ બતાવવું છે.

દિકરાએ માતા-પિતાના પાસપોર્ટ તૈયાર કરાવ્યા અને પરિવાર સાથે એક મહીનાની વિદેશ યાત્રાનું આયોજન કર્યુ. ગામડામાં રહેતા માતા-પિતા આધુનિક જગત જોઇને ખુબ રાજી થયા. એમા પણ દરેક જગ્યાએ રહેવા અને જમવાની સગવડ ગામડાના આ સામાન્ય દંપતિનેખુબ ગમી.


પ્રવાસ પુરો કરીને જ્યારે બધા ભારત આવ્યા ત્યારે એકદિવસ વૃધ્ધ માતા-પિતા બેસીને દિકરાના ખુબ વખાણ કરતા હતા. ભાઇએ એમના પત્નિને કહ્યુ, " તે જોયુ આખી દુનિયામાં આપણા દિકરાનું કેવુ માન છે ! આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં બધે મોટરગાડી આપણને લેવા આવી જતી હતી. આપણા રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કેવી સુંદર હતી. તમે જે માંગો તે બધુ તુરંત જ હાજર થઇ જતુ હતું. " વાત સાંભળી રહેલી પત્નિએ પણ પોરસાતા કહ્યુ , " મારો દિકરો બહુ મોટો માણસ બની ગયો. તમને ગામમાં પણ નથી ઓળખતા અને મારા દિકરાને આખી દુનિયા ઓળખે છે એમના ભાઇબંધ દોસ્તાર આખી દુનિયામાં છે એટલે આપણી બધી જ વ્યવસ્થા ખુબ સારી રીતે થઇ ગઇ."

દિકરો એમના ભોળા માતા-પિતાની આ વાત સાંભળી રહ્યો હતો. એમણે હસતા હસતા કહ્યુ , " મમ્મી-પપ્પા મને દુનિયામાં કોઇ ઓળખતું નથી." પિતાએ કહ્યુ, " અરે બેટા તને કોઇ ઓળખતું ન હોય તો પછી આપણી બધી જ સેવા એ લોકોએ મફતમાં કેમ કરી ? આપણને જે વ્યવસ્થા પુરી પાડી એનો આપણી પાસેથી કોઇ ચાર્જ કેમ ન લીધો ? "

દિકરાએ સ્પષ્ટતા કરતા કહ્યુ, " પપ્પા, મેં ટ્રાવેલ કંપનીને પહેલેથી જ બધી રકમ ચુકવી આપી હતી એટલે જ્યાં જઇએ ત્યાં આપણી વ્યવસ્થા થઇ જતી હતી "

મિત્રો, યાદ રાખજો આપણે પણ એક બહુ મોટી યાત્રા કરવાની છે. નાના-નાના સદકાર્યોરૂપી બચત કરીને જો એડવાન્સ બુકીંગ કરાવી લઇએ તો યાત્રા વખતે કોઇ મુશ્કેલી નહી પડે આપણી તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઇ જશે આપણે માત્ર યાત્રાનો આનંદ જ માણવાનો રહેશે.