હીરાની વીંટી...........

હીરાની વીંટી...........
"ડાયમંડ રિંગ એટલે હીરાની વીંટી? પણ શુ કામ? તારી પાસે તો ઘણી બધી વીંટી છે અને હીરાની વીંટી કઈ સસ્તી ના આવે..." રાજે કંઈક આ રીતે મીરાંને પ્રતિભાવ આપ્યો.
"મારા અમીર પતિ, હવે આ કંજુસાઈ ના કરો. આપશ્રી ને જરા યાદ અપાવી દઉં કે તમારી કંપની ને મોટો પ્રોજેક્ટ મળ્યો છે અને જવેલર્સ પાસે પણ નવી વેરાયટી આવેલ છે." આટલું કહેતાની સાથે મીરાંએ પ્રેમ ભરી હસી ઉમેરતા કહ્યું કે, "તમે બેખુબ જાણો છો કે - હીરો એ સ્ત્રીનો પ્રથમ પ્રેમ હોય છે. બરાબર?"
"બરાબર!" રાજ તેના ચહેરા સામે જોઈને ફક્ત આટલું જ કહી શક્યો.
આખરે ગમે તેમ કરી ને મીરાં એ રાજ ને તેની સાથે ઝવેરીના ત્યાં સાથે આવવા રાજી કરી લીધા. ગાડી ચલાવતા ચલાવતા તેઓ ઝવેરીના ત્યાં જવા નીકળ્યા. રસ્તામા રાજને વિચાર આવ્યો કે - "સમય કેવો બદલાઈ ગયો છે. દસ વર્ષ પહેલા આજ મીરાં જે મારી મંગેતર હતી, તેને સગાઈના સમયે આપવા સોનાની વીંટી ખરીદવાના પણ પૈસા નહતા અને તેને મેં ચાંદીની વીંટી પહેરાવી હતી. આજે ઝીંદગી ના દરેક સુખ-દુઃખમા સાથ આપનાર એની માટે મેં ઘરેણાંઓ નો ઢગલો કરી દીધો છે."
આવુજ વિચારતા રાજે મીરાંની સામે જોઈને એક સ્મિત આપ્યું. બસ અમુક સમયમા તે બંને ઝવેરીના ત્યાં પહોંચી ગયા. ઝવેરી શહેર ના સૌથી નામચીન ઝવેરીમાના એક હતા. રાજ અને મીરાંને જોઈને તેમને રાજભાઈ ને પ્રેમ-પૂર્વક આવકાર્યા. પરંતુ રાજ ને ઝવેરી નહોતા ગમતા કારણકે દર અઠવાડિયે તે મીરાં ને ફોન કરી ને ઘરેણાં લેવા આમંત્રિત કરતા હતા. ઝવેરીને જોઈને જ રાજ મનમા ગાળોનો વરસાદ કરતા.
તેના પછી મીરાં નવી હીરાની વીંટીઓ જોવામાં વ્યસ્ત થઈ ગયી અને રાજ ત્યાં બેઠા બેઠા કંટાળી રહ્યો હતો. વીંટી ખરીદતી વખતે મીરાં ના ચહેરા પર એક ઉત્સુકતા હતી. એ ઉત્સુકતાને જોઈ ને રાજ ખુશીથી તેનો સમય પસાર કરતો હતો.
બસ રાજની આ પ્રેમભરી ઘડીમા ઝવેરી નડતરરૂપ આવ્યો અને કહ્યું - "મીરાં બહેન આ બધું શુ નાનું નાનું જુવો છો. તમારા જેવા ગ્રાહક માટે મેં આ સાચવેલ છે. જુઓ આ દુકાનની સૌથી મોંઘા મા મોંઘી હીરાની વીંટી."
આટલું સાંભળતાજ રાજે ઝવેરીના સામે જોયુ અને મનમા ફરી અપશબ્દો નો વરસાદ શરૂ કર્યું પરંતુ મીરાં બાજુમા હતી એટલે આખરે ચહેરા પર ફક્ત સ્મિતજ આપ્યુ. મીરાંએ વીંટી હાથમા લીધી. ખરેખર તે વીંટી ચમકદાર અને લાખોમા એક નગીના જડિત હતી.
ઝવેરીએ મીરાં ને નિવેદન કર્યું - "બહેન આમ શુ જુવો છો? પહેરી ને જુવો એટલે ખબર પડશે. એક કામ કરો. આ તમારા આંગળી માથી જૂની વીંટી કાઢો અને આ પહેરો."
મન મા ક્યાંક રાજે કહ્યું - "આ નમૂનો વેચીને જ જીવ લેશે આજે."
બીજી બાજુ મીરાં તેની આંગળીમાંથી જૂની વીંટી નીકળી રહી હતી અને હીરાની વીંટી તેના હાથમા હતી. વીંટી ઉતારીને પહેરવાની આ ગડમથલમા મીરાંના હાથ માંથી બંને વીંટી નીચે પડી ગઈ.
"એક સૌથી મોંઘી હીરાની વીંટી અને બીજી વર્ષો જૂની સગાઈની ચાંદીથી બનેલ વીંટી."
ઝવેરી, તેના કારીગરો અને રાજ પોતે પણ તે વીંટી ને શોધવા લાગ્યો. બધા આમતેમ નીચે જોઈને વીંટી શોધવા લાગ્યા. બીજી બાજુ મીરાં હતી. તે પણ વીંટી શોધતી હતી અને તે ખૂબ જ તણાવમા આવી ગઈ. આખરે તે બોલી - "વીંટી મળી ગઈ." આટલું બોલતાજ તેના ચહેરા પરનું સ્મિત પાછું આવી ગયું અને ખુશી તેના ચહેરા પર સાફ છલકતી હતી. જ્યારે રાજે જોયું તો મીરાંને સગાઈ વાળી ચાંદીની વીંટી મળી હતી. તેનો હરખ સાફ કહેતો હતો કે તેને હીરાની વીંટીની કઈ ચિંતાજ નહોતી. દુકાનમા બધા હીરાની વીંટી શોધતા હતા પણ ફક્ત મીરાંજ તે જૂની વીંટી શોધતી હતી. આખરે ઝવેરી ને તે હીરાની વીંટી મળી ગઈ.
મીરાંએ તરત જ જૂની વીંટી હાથ મા લીધી, તેને સાફ કરી અને પહેરી ને હરખાઈ. આટલું જોઈને રાજ તેની પાસે ગયો અને પ્રેમ-પૂર્વક તાણ મારતા કહ્યું - "હીરો એ સ્ત્રીનો પ્રથમ પ્રેમ હોય છે. બરાબર?"
રાજને તેમના સગાઈની વીંટી બતાવતા મીરાંએ જવાબ આપ્યો - "પ્રેમ અને યાદો ના સાચા હીરાઓ તો આ વીંટી સાથે જોડાયેલા છે. હા દરેક સ્ત્રીનો એક સાચો હીરો હોય છે અને તે હીરો જ સ્ત્રીનો પ્રથમ પ્રેમ હોય છે."
મીરાંની આ વાત રાજના દિલ પર લાગી ગઈ. તે દિવસે ફરી એકવાર તેને મીરાં પર પ્રેમ આવ્યો. આખરે તે દિવસે અને ઝીંદગીમા પણ મીરાંએ સાચા હીરાની પસંદગી કરી હતી.
- ધવલ બારોટ