આયોજન એકદમ ‘પર્ફેક્ટ’ હતું..


હાથતાળી દઈ શકું છું કાળને, શ્વાસ લેવાનો ય જો મોકો મળે

આયોજન એકદમ ‘પર્ફેક્ટ’ હતું. જ્યારે દરદી પોતે જ લેડી ડોક્ટર હોય અને વાત એની પોતાની જ પ્રસૂતિની હોય ત્યારે પ્લાનિંગમાં ક્યાંય જરા સરખી પણ કચાશ રહે ખરી? પુણે ખાતે પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ ધરાવતી ડો. કંકણાનું પ્લાનિંગ પણ એકદમ ‘પર્ફેક્ટ’ હતું. જે દિવસે ડો. કંકણાને ખબર પડી કે પોતે પ્રેગ્નન્ટ છે, તે જ દિવસે એણે એના પતિ સમક્ષ જાહેર કરી દીધું, ‘ડિલિવરી તો હું વડોદરામાં જ કરાવીશ.’
‘અરે, આ શું ગાંડપણ ઊપડયું છે? આપણું બાળક તો આપણા જ નર્સિંગ હોમમાં અવતરવું જોઈએ ને?’
‘એવું ક્યાં લખ્યું છે?’

‘ના, સુવાવડોનાં કોઈ બંધારણ નથી હોતાં, પણ આ તો કોમન સેન્સની વાત છે, હું ઈ.એન.ટી. સર્જ્યન છું. તું ગાયનેકોલોજિસ્ટ છે, આપણા નર્સિંગ હોમમાં આધુનિક સુવિધાથી સજ્જ. લેબર રૂમ છે. ઓપરેશન થિયેટર છે. પુણે શહેરના તમામ સિનિયર-જુનિયર ડોક્ટરો આપણા મિત્રો છે. જરૂર પડે તો એનેસ્થેટિસ્ટ્સ અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ્સ પણ હાજર છે. ત્યાં વડોદરામાં કોણ છે?’
ડો. કંકણા બોલવા તો ગઈ કે, ‘મેરે પાસ મા’ હૈ,’ પણ પછી તરત જ અટકી ગઈ. વડોદરામાં એનું પિયર હતું, પણ મા ન હતી. મમ્મી-પપ્પા બંને થોડાં વર્ષો પૂર્વે આથમી ગયાં હતાં. છ બહેનો વચ્ચે એક માત્ર ભાઈ હતો અને ભાભી હતી. પતિની દલીલ સાંભળીને એ વિચારમાં તો અવશ્ય પડી ગઈ.

પણ એની બધી જ અવઢવ બીજી મિનિટે અલોપ થઈ ગઈ, જ્યારે એણે વડોદરાનો ફોન લગાડયો. ભાઈ તો ‘જોબ’ પર ગયા હતા, પણ ભાભી ઉલ્કા ઘરમાં જ હતી. ફોન એણે જ ઉઠાવ્યો. પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને જ ભાભી બોલી પડી, ‘અરે, વાહ ત્યારે તો આ ઘરમાં ફરીથી એક બાળકની કિલકારી સાંભળવા મળશે. નણંદબા, ક્યારે તમને લેવા માટે આવીએ?’

ડો. કંકણાએ પતિની દલીલો ભાભીના કાનમાં ઠાલવી દીધી, પણ ભાભીએ એક પણ વાત ન સ્વીકારી, ‘મારે ડોક્ટરસાહેબનો એક પણ શબ્દ સાંભળવો નથી. મમ્મી-પપ્પા નથી તો શું થઈ ગયું? હું તમારી મા બનીને દેખાડી આપીશ. મારે તો તમારાથી મોટી બીજી પાંચ નણંદો છે. એ બધીની સુવાવડો આ જ ઘરમાં થઈ છે. વડોદરાના સારામાં સારા મેટરનિટી હોમમાં કરાવી છે. તમે ડોક્ટર હશો, પણ એ તો પુણે માટે વડોદરા માટે તો તમે દીકરી જ કહેવાઓ. ખબરદાર જો આનાકાની કરી છે તો…’
એ પછી નણંદ-ભાભી ગંભીર ચર્ચા પર વળ્યા


અત્યારે કેટલામો મહિ‌નો ચાલે છે? ડિલિવરીની ‘ડયૂ’ ડેટ ક્યારે આવે છે? ખોળો ભરવાનો સમય કયા મહિ‌નામાં થશે? અમે તમને લેવા માટે ક્યારે આવીએ? વગેરે વગેરે. પ્રસૂતા પોતે જ જ્યારે પ્રસૂતિ-નિષ્ણાત હોય ત્યારે આયોજનમાં કે ગણતરીમાં ક્યારેય કશી ભૂલ થાય ખરી? ન જ થાય. ડો. કંકણાએ પોતાની સગર્ભાવસ્થાના ચાળીસ અઠવાડિયા ગણીને ડિલિવરીની અપેક્ષિત તારીખ વિચારી લીધી હતી અને ભાઈને બધું જણાવી દીધું હતું. ઉલ્કાભાભીએ પૂછયું, ‘તમને વિમાનમાં આવવું ફાવશે કે કારની વ્યવસ્થા કરીએ?’
‘બેમાંથી એક પણની જરૂર નથી. પુણેથી વડોદરા સુધીની અહિંસા એક્સપ્રેસ છે જ. તમે મને લેવા માટે આવજો, એ પછી આપણે ત્રણ જણ ટ્રેનમાં જ નીકળી જઈશું.’ ડો.કંકણાએ આખો કાર્યક્રમ સમજાવી દીધો. એના પર અમલ પણ શરૂ થઈ ગયો.

પ્રસૂતિની સંભાવિત તારીખને મહિ‌ના-સવા મહિ‌નાની વાર હતી, ત્યારે યોજના પ્રમાણે ભાઈ-ભાભી ડો. કંકણાને લઈ જવા માટે પુણે આવી પહોંચ્યાં. રવાના થતાં પહેલાં છેલ્લી વારની તકેદારી રૂપે ડો. કંકણાએ પોતાની સોનોગ્રાફી તપાસ કરાવી દીધી. પોતાના પરિચિત સિનિયર ગાયનેકોલોજિસ્ટ દ્વારા આંતરિક તપાસ પણ કરાવી લીધી. બધું જ ર્નોમલ હતું. ક્યાંય જરા સરખીયે ગરબડ ન હતી. બધું હેમખેમ પાર પડે તેવી પ્રાર્થના કરીને ત્રણેય જણ અહિંસા એક્સપ્રેસમાં ચડી ગયાં. આમ તો ત્રણ નહીં પણ સાડા ત્રણ કહેવા પડે. ભાઈ-ભાભીની સાથે તેમનો નાનો દીકરો પણ હતો. પ્રવાસ લાંબો હોવાથી કોરો નાસ્તો અને પીવાનું સ્વચ્છ પાણી સાથે જ લીધાં હતાં.

ટ્રેન ઊપડી. લોનાવલા સ્ટેશન ગયું. અચાનક ડો. કંકણાનાં મોં ઉપર કષ્ટના ભાવો ઊપસી આવ્યા. ઉલ્કાભાભીએ પૂછયું, ‘શું થાય છે, બહેન?’
‘ખાસ કંઈ નહીં. લાગે છે કે છેલ્લા બે-ત્રણ દિવસની દોડધામનો થાક હવે વરતાઈ રહ્યો છે.’ ડો. કંકણા આવું કરીને જાણે પોતાના જ મનને સમજાવી રહ્યાં, પણ તકલીફ ધીમે ધીમે વધતી રહી હતી. હવે એનાથી સરખી રીતે બેસીયે રહેવાતું ન હતું. થોડી થોડી વારે પેટ કઠણ થઈ જતું હતું, પછી ઢીલું થતું હતું. એ સમજી ગયાં, ‘ભાભી, મને લેબર પેઇન્સ શરૂ થઈ ગયા લાગે છે.’
‘તકલીફ વધારે છે?’

‘હા, વડોદરા સુધી નહીં પહોંચાય.’
‘પણ તમારી ડિલિવરીની તારીખને તો હજુ ખાસ્સી એવી વાર છે અને આપણે પુણેથી નીકળ્યાં ત્યાં સુધી તો બધું બરાબર હતું…’
‘હા, પણ ભાભી, જગતના તમામ ગાયનેકોલોજિસ્ટ્સ કરતાંયે મોટો ડોક્ટર ઉપર બેઠો છે. ડિલિવરી પ્રિમેચ્યોરલી પણ થઈ શકે છે. અત્યારે એ બધું છોડો અને વિચારો કે શું થઈ શકે’
ડો. કંકણાના ભાઈ ઉમેશભાઈ આખા કમ્પાર્ટમેન્ટમાં ફરી વળ્યા. ટી.સી.ને પણ પૂછી આવ્યા, ‘આખી ટ્રેનમાં એક પણ પ્રવાસી ડોક્ટર છે?’ જવાબ મળ્યો, ‘ના, નથી. સમ ખાવા પૂરતો ઊંટવૈદ પણ નથી.’

કંકણાનું દર્દ હવે વધતું જતું હતું. ડબ્બામાં અન્ય મહિ‌લાઓ હતી એમણે સૂચન કર્યું, ‘બહેન, તમે ડોક્ટર છો, પણ અમે અનુભવી છીએ. તમારો ચહેરો જોઈને કહી આપીએ છીએ કે બાળક બે-ત્રણ કલાકથી વધુ પેટની અંદર નહીં રહે. અમારું માનો તો ક્યાંક નજીકના સ્ટેશને ઊતરી જાવ’
કંકણા જબરી અવઢવમાં પડી ગઈ. આવી અજાણી જગ્યા, રાતનો સમય અને ડોક્ટરની ગેરહાજરીમાં જો ડિલિવરી થઈ ગઈ તો એનું અને એનાં બળકનું શું થશે? રક્તસ્ત્રાવના કારણે એનો પોતાનો પ્રાણ જોખમમાં મુકાઈ શકે, ઠંડી અને ચેપના કારણે નવજાત શિશુ પણ મૃત્યુ પામી શકે. શું કરવું? જો આમ ને આમ બેસી રહે તો ચાલતી ટ્રેનમાં જ પ્રસૂતિ થઈ જાય.

રાતના સાડા દસ વાગ્યાની આસપાસ ટ્રેન ઊભી રહી. બારીમાંથી બહાર જોયું. ‘કલ્યાણ’ વંચાયું. પ્લેટફોર્મ પરની ચહેલપહેલ જોઈને સમજાયું કે આ શહેર બહુ મોટું ન હોય તો પણ સાવ નાનું તો નહીં જ હોય. વધારે વિચાર કરવામાં સમય બગાડયા વગર બધાં ટ્રેનમાંથી નીચે ઊતરી ગયાં. હડબડાટમાં અડધો સામાન ટ્રેનમાં જ રહી ગયો, પણ અત્યારે મોટી ચિંતા પેટની અંદરના કીમતી ‘સામાન’ની હતી.
ઉમેશભાઈએ પ્લેટફોર્મ પર ઊભેલા એક અજાણ્યા માણસને બધી વાત સમજાવી, પછી વિનંતી કરી, ‘ભૈયા, યહાં કા કોઈ અચ્છા મેટરનિટી હોમ હો તો ઉસકા એડ્રેસ બતાઓ ના?’

પેલો ધાર્યા કરતાંયે વધુ ભલો નીકળ્યો. સરનામું બતાવવાને બદલે એ પોતે જ સાથે આવ્યો. ટેક્સીમાં એક સારા નર્સિંગ હોમમાં લઈ ગયો. ડોક્ટર હમણાં જ એક પ્રસૂતિ પતાવીને ઘરે જવાની તૈયારીમાં હતા, બીજા કેસને જોઈને રોકાઈ ગયા. કંકણાએ પોતાનો પરિચય આપ્યો. સાવ અજાણ્યો ડોક્ટર બોલી ઊઠયો, ‘ફિકર ના કરીશ, બહેન આ પણ તારું પિયર જ છે, એમ માનજે.’
ડો. કંકણાને લેબર રૂમમાં લઈ જવામાં આવી. બરાબર એક કલાક પછી એણે દીકરીને જન્મ આપ્યો. ડોક્ટર તો કામ પતાવીને ઘરે ચાલ્યા ગયા, એમને શી ખબર કે આ લોકોની તકલીફો તો હજી ઊભી જ હતી. નવજાત બાળકી જે આમ તો ‘સોનાનો ચમચો’ લઈને જન્મી હતી, પણ એને પહેરાવવાનાં કપડાં જ ન હતાં. ઉલ્કાભાભીએ પોતાની સાડી ફાડીને દીકરીને એમાં લપેટી લીધી. ર્વોડમાં સૂતેલી બીજી એક પ્રસૂતાની મા રાતના એક વાગ્યે ઘરે જઈને કંકણા માટે શીરો બનાવી લાવી. રાજ્યના, ભાષાના અને જ્ઞાતિના ભેદો ભૂંસાઈ ગયા. મહાન ભારતની અસલ સંસ્કારિતા ચમકી ઊઠી. ઉમેશભાઈ, ભાભી અને ચાર વર્ષના દીકરાએ ચા અને બિસ્કિટ ખાઈને રાત પસાર કરી નાખી.

વીસ કલાક કલ્યાણના ભલા ગાયનેકોલોજિસ્ટ ડો. મ્હસકરને ત્યાં કાઢી નાખ્યા પછી આ પ્રવાસી પંખીઓએ ઉડ્ડયન શરૂ કર્યું. મુંબઈથી આવતી ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા કરી લીધી. આખા નર્સિંગ હોમે એમને ભાવભરી વિદાય આપતાં સૂચન કર્યું, ‘કંકણાબહેન, અમારા કલ્યાણ શહેરને ભૂલી ન જતાં.’
ડો. કંકણાએ આ જ કારણથી દીકરીનું નામ રાખ્યું છે : કલ્યાણી. હાલમાં કલ્યાણી દસમા ધોરણની પરીક્ષા આપી રહી છે. પુણે શહેરની આ ઘટનાએ તમામ ડોક્ટરોને એક વાત સમજાવી દીધી કે ‘આભ ને ગાભનો ભરોસો નહીં.’

ડો. કંકણાને પણ એક-બે વાતો સમજાઈ ગઈ : એક, આ દેશના સરેરાશ માણસો ખૂબ ભલા હોય છે. સાવ અજાણ્યાને પણ મુસીબતના સમયે મદદ કરે છે. બીજું, જન્મ અને મરણ કોઈના હાથમાં નથી. તમારું આયોજન ગમે તેટલું પર્ફેક્ટ કેમ ન હોય, પણ થાય છે એ જ જે ભગવાનને મંજૂર હોય છે. અને ત્રીજી વાત એ કે બાળકી ભલે પ્રિમેચ્યોર હોય, ભલે એનું વજન ઓછું હોય, તો પણ જો એનાં નસીબમાં જીવવાનું લખાયું હોય તો એ ઇન્ક્યુબેટરની સહાય વગર પણ બચી જાય છે.

(સત્ય ઘટના, પાત્રોનાં નામ બદલ્યાં છે, શહેરનાં નામ યથાવત્ રાખ્યાં છે.)’