સમય નથી મળતો, ..

એક ખૂબ મોટા ઉદ્યોગપતિ.
જબરજસ્ત મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય.
આવા મોટા માણસનો ઈન્ટરવ્યુ લેવા માટે તો મિડિયામાં હોંસાતોંસી હોય.
ઈન્ટરવ્યુ માંગનાર પણ જેવા તેવા ન હોય. એવા જ એક ધૂરંધર પત્રકારને એમણે સમય આપ્યો.
આ ભાઈ જ્યારે પહોંચ્યા અને પોતાનું કાર્ડ એમની સેક્રેટરીને આપ્યું
એટલે તરત પેલી સેક્રેટરી બહેને સ્મિત વેરતાં કહ્યું સાહેબ આપની જ રાહ જુએ છે.

ઝાઝી કોઈ ઔપચારિક્તા વગર વાતચીતનો દોર શરુ થયો. ઈન્ટરવ્યુ ખાસ્સો બે કલાક ચાલ્યો.
પેલા ભાઈએ પ્રશ્નોનો બરાબર મારો ચલાવ્યો. જવાબો આપનાર પણ જમાનાના એવા જ ખાધેલ.
મજા આવી ગઈ. વાતચીત પૂરી કરતાં પહેલાં પેલા પત્રકારે આ ઉદ્યોગપતિને પૂછ્યું કે ...
તેમને જો વાંધો ન હોય તો એક અંગત સવાલ પૂછવા માંગે છે. પેલા ભાઈએ કહ્યું
“જરૃર પૂછો યોગ્ય લાગશે તો જવાબ આપીશ.” પત્રકારે કહ્યું કે આટલો લાંબો સમય આપણી મુલાકાત ચાલી.
આશ્ચર્ય એ વાતનું છે કે આ સમય દરમ્યાન ન તો આપના ફોનની ઘંટડી વાગી
(એ જમાનામાં મોબાઈલ નહોતા), ન તો આપના અંગત સ્ટાફમાંથી કોઈ કંઈ પૂછવા આવ્યું,
કે ન આપના કોઈ સીનીયર અધિકારી કોઈ અગત્યના મુદ્દાની ચર્ચા માટે આવ્યા.
આટલું મોટું સામ્રાજ્ય છતાં આટલો બધો સમય આપ કઈ રીતે ફાળવી શકો છો ?
પેલા ઉદ્યોગપતિએ ખૂબ સહજતાથી જવાબ આપ્યો


“ભાઈ ! જે માણસો એમ કહે છે કે તેમની પાસે સમય નથી તે કાં તો મૂર્ખ છે અથવા તો ધૂર્ત છે.
મૂર્ખ એટલા માટે કે એમને એમના સમયનો ઉપયોગ કે આયોજન કરતા નથી આવડતું
અને એટલે હંમેશાં કહેવાતી વ્યસ્તતામાં ઘેરાયેલા રહે છે.
બીજી કેટેગરીમાં આવતા લોકોને હું ધૂર્ત એટલા માટે કહું છું કે એ વ્યસ્ત હોવાનો ડોળ કરી તમને છેતરે છે.
હું આ બેમાંથી એકપણ નથી અને એટલે મેં નક્કી કરેલી અગ્રતાનાં કામો માટે પૂરતો સમય મળે છે.
આજનો સમય આપને ફાળવેલ હતો અને એ મુજબ જ મેં કામ કર્યું છે.”
પત્રકારને એનો જવાબ મળી ગયો. હસ્તધૂનન કરી એણે વિદાય લીધી.

આજે ટાઈમ મેનેજમેન્ટનો એક સીધો પાઠ તેને શીખવા મળ્યો હતો !

મિત્રો ! આપણે એક ડાયરી રાખીએ અને

સવારમાં ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધીનો સમય અને તેમાં કરેલ કામગીરી નોંધીએ
તો ખ્યાલ આવશે કે કેટલો બધો સમય આપણે બગાડીએ છીએ.
તથ્ય ન હોય તેવા બનાવોની ચર્ચા,
જરૃરી ન હોય તેવા કામોને પ્રાથમિકતા
અને સમય તાણે તે રીતે પ્રવાહમાં ખેંચાતા જવાની માનસિકતા
આપણામાંથી ઘણા બધાને દોરે છે ને ?

ફરી ક્યારેક કોઈ મનગમતી પ્રવૃત્તિ માટે કે મિત્રને યાર ! સમય નથી મળતો,
બહું દોડધામ રહે છે એવું કહો ત્યારે પેલા ઉદ્યોગપતિનો આ દાખલો યાદ રાખજો.